ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ મંડલ પંચ, રામ મંદિર, રાજીવ ગાંધીની હત્યા અને 1991ની ચૂંટણી
વર્ષ 1989થી 1991 દરમિયાન ભારતમાં બીજી બિનકોંગ્રેસી સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી. આ ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં એવી અનેક મોટી ઘટનાઓ ઘટી, જેણે ભારતના ભવિષ્ય પર એક અમિટ છાપ છોડી છે. 1991ની લોકસભા ચૂંટણીને બે ભાગમાં જોઈ શકાય છે, એક રાજીવ ગાંધીની હત્યા પહેલાનું પરિદૃષ્ય અને બીજું રાજીવ ગાંધીની હત્યા પછીનું પરિદૃષ્ય
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ 1989માં ભારતમાં બીજી વખત બિનકોંગ્રેસી સરકાર બની હતી અને વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા હતા. આ વખતે પણ જનતા દળની જ સરકાર હતી. વર્ષ 1990ની શરૂઆત ભારતમાં સામાજિક/આર્થિક/રાજકીય ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન લાવનારું વર્ષ બન્યું હતું અને આ પરિવર્તનની અસર આજે પણ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. 1990નો દાયકો આમ જોઈએ તો વિશ્વ માટે પણ પરિવર્તન લાવનારો હતો - બર્લિનની દિવાલ તુટવી, સોવિયત સંઘનું પડી ભાંગવી, કોલ્ડ વોરનો અંત અને ટેક્નોલોજી ક્ષેત્રે આવી રહેલા ઝડપી પરિવર્તનોએ સમગ્ર વિશ્વમાં એક નવો પવન ફૂંક્યો હતો અને ભારત પણ તેનાથી બાકાત રહ્યું ન હતું.
આઝાદી પછીના પ્રથમ ચાર દાયકામાં ભારતમાં સામાજિક અને આર્થિક ક્ષેત્રે અનેક ગુંચવણો હતી અને બીજું કે સળંગ ચાર દાયકાથી કોંગ્રેસ જ સત્તામાં હતી. આ દરમિયાન માત્ર બે વખત જ બિનકોંગ્રેસી સરકાર બની અને તે પણ ગઠબંધનની સરકાર હોવાને કારણે એટલી મજબૂત ન હતી અને પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી શકી ન હતી.
મંડલ પંચ
એક સમયે કોંગ્રેસમાં કેબિનેટ મંત્રી રહેલા વી.પી. સિંઘ 1989ની લોકસભા ચૂંટણીમાં ભારતમાં એક બિનકોંગ્રેસી નેતાનો ચહેરો બનીને ઉભર્યા. તેઓ કેબિનેટ મંત્રીમાંથી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા. લોકોએ તેમના અંદર એક સારા ભવિષ્યનું કિરણ જોયું હતું. જોકે, તેઓ લોકોની અપેક્ષા પૂરી કરી શક્યા નહીં. દેશમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના સમુદાયને અનામતનો ફાયદો આપવા માટે 1979માં બનેલા 'મંડલ પંચે' ભલામણ કરી હતી, પરંતુ એ સમયની સરકારોએ તેમાં કોઈ ખાસ રસ દેખાડ્યો ન હતો.
વડા પ્રધાન વી.પી. સિંઘની સરકારે મંડલ પંચની ભલામણોને લાગુ કરવાનો નિર્ણય લીધો. મંડલ પંચની ભલામણમાં દેશમાં સામાજિક આર્થિક રીતે અન્ય પછાત વર્ગ (OBC)ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ દેશમાં એસસી અને એસટી વર્ગને આપવામાં આવતા 22.5 ટકા અનામત ઉપરાંતનો અનામતનો લાભ હતો. જોકે, દેશમાં આ બાબતનો સખત વિરોધ થયો. સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ફાટી નિકળ્યા. ઠેર-ઠેર રમખાણોની સ્થિતિ સર્જાઈ હતી. એટલામાં દિલ્હી યુનિવર્સિટીના એક રાજીવ ગોસ્વામી નામના યુવાને આત્મવિલોપન કર્યું અને તે મરી ગયો. ત્યાર પછી તો સમગ્ર દેશ ભડકે બળવા લાગ્યો. આ યુવકની જેમ લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જોકે, તેમને બચાવી લેવાયા હતા. વી.પી. સિંઘ સરકાર માટે આ નિર્ણય આત્મઘાતી સાબિત થયો હતો.
રામં મંદિર, ભાજપ અને વી.પી. સિંઘની સરકાર પડી જવી
1984માં માત્ર બે બેઠક પર વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ 1989ની લોકસભા ચૂંટણીમાં 85 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને વી.પી. સિંઘની પાર્ટી જનતા દળના નેતૃત્વવાળા નેશનલ ફ્રન્ટ ગઠબંધનને તેણે બહારથી ટેકો આપ્યો હતો. વી.પી. સિંઘની સરકારને ભાજપ ઉપરાંત ડાબેરીઓનો પણ ટેકો હતો.
જોકે, ભાજપે 1980માં રામ જન્મભૂમિ મુદ્દીને દેશમાં સળગતો મુદ્દો બનાવી દીધો હતો. પાર્ટી અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદ બનેલી છે તેના સ્થાને રામ મંદિર બનાવવા માગતી હતી. આ મુદ્દાને પાર્ટીએ પોતાનો ચૂંટણીનો મુદ્દો બનાવી લીધો હતો અને લોકોનું સમર્થન મેળવવા માટે પણ પાર્ટીએ આ મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. 1990માં ભાજપના નેતા એલ.કે. અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની એક રાથયાત્રાનું આયોજન કર્યું, જેનો હેતુ અયોધ્યા પહોંચીને રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાનો હતો. 30 ઓક્ટોબરના રોજ બિહારના સમસ્તીપુરમાં એલ.કે. અડવાણીની ધરપકડ કરવામાં આવી અને તેના કારણે ભાજપે વી.પી. સિંઘની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.
વી.પી. સિંઘ સંસદમાં અવિશ્વાસના મતનો પ્રસ્તાવ જીતી શક્યા નહીં અને 7 નવેમ્બરના રોજ તેમણે રાજીનામું આપી દીધું. ચંદ્રશેખરે આ તકનો લાભ લીધો અને તેમના ટેકેદારો સાથે જનતા દળમાંથી બહાર નિકળી ગયા અને પોતાની જનતા દળ(સોશિયાલિસ્ટ) પાર્ટી બનાવી. તેમણે કોંગ્રેસના ટેકા સાથે કેન્દ્રમાં સરકાર બનાવી. તેઓ માત્ર 7 મહિના સુધી જ વડાપ્રધાન પદે રહી શક્યા અને ત્યાર પછી રાજીવ ગાંધીએ તેમની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. જેના કારણે દેશમાં નવી ચૂંટણી લાગુ કરવાની ફરજ પડી.
રાજીવ ગાંધીની હત્યા
1990નું વર્ષ ભારત માટે હિંસાથી ભરેલું વર્ષ રહ્યું હતું. શરૂઆતમાં મંડલ પંચ લાગુ થવાને કારણે દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં મોટી હિંસા જોવા મળી હતી. ત્યાર પછી દેશને રાજીવ ગાંધીની હત્યાના સ્વરૂપમાં એક મોટો આઘાત મળ્યો. 1980માં વડા પ્રધાન તરીકે રાજીવ ગાંધીએ આંતરરાષ્ટ્રીય નીતિઓના ભાગ રૂપે કેટલાક નિર્ણયો લીધા હતા. જેમાં તેમણે 1987માં શ્રીલંકામાં ભારતની સેનાને શાંતિ સેના તરીકે મોકલી હતી. જેમાં ભારતીય સેનાને શ્રીલંકાના લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ (LTTE) સાથે સીધો જ સંઘર્ષ કરવો પડ્યો હતો. LTTE શ્રીલંકામાં એક આતંકવાદી સંગઠન હતું અને તે તમિલ સમુદાયની બહુમતિનું સમર્થન મેળવીને અલગ તમિલ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતું હતું.
વી.પી. સિંઘે વડાપ્રધાન બન્યા પછી ભારતની શાંતિ સેનાને પાછી બોલાવી લીધી હતી પરંતુ LTTE રાજીવ ગાંધી પ્રત્યે રોષે ભરાયેલું હતું. આથી, તેણે રાજીવ ગાંધીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તત્કાલિન મદ્રાસની નજીક શ્રીપેરામ્બદુર ખાતે રાજીવ ગાંધી જ્યારે એક ચૂંટણી સભાને સંબોધવા પહોંચવાના હતા ત્યારે ત્યાં તેમણે તેમની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. 21 મે, 1990ના રોજ રાજીવ ગાંધી દિવસભરમાં અનેક સભાઓ સંબોધ્યા પછી શ્રીપેરામ્બદુર પહોંચ્યા હતા. અહીં તેઓ તેમને આવકારવા માટે ઊભેલા લોકોને મળતા હતા. આ દરમિયાન LTTEની એક આત્મઘાતી હુમલાખોર ધાનુ નામની મહિલા અચાનક જ રાજીવ ગાંધીની સામે આવી ગઈ અને તેણે રાજીવ ગાંધીને પગે લાગવાનો પ્રયાસ કર્યો. તે જેવી પગે લાગવા વાંકી વળી કે તેણે પેટ સાથે બાંધેલા આત્મઘાતી બોમ્બની પીન ખેંચી નાખી. આ આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની સાથે અન્ય 14 લોકોનાં મોત થયા હતા. ભારતની સાથે જ સમગ્ર વિશ્વ આ ઘટનાથી ચકિત અને હચમચી ગયું હતું.
21 મે સુધીમાં દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું. રાજીવ ગાંધીની હત્યાની ઘટના પછી બાકીના બે તબક્કાની ચૂંટણીને જૂન મહિના સુધી પાછી ઠેલવામાં આવી. આ દરમિયાન કોંગ્રેસના નેતા પી.વી. નરસિમ્હારાવના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી.
1991ની લોકસભા ચૂંટણી
1991ની લોકસભા ચૂંટણી સમયે દેશમાં 30 રાજ્ય અને એન્ય કેન્દ્રશાસિત પ્રદેશ અસ્તિત્વમાં હતા. આ ચૂંટણીમાં 9 રાષ્ટ્રીય પક્ષો, 26 રાજ્ય સ્તરના પક્ષો મેદાનમાં હતા. આ ઉપરાંત 109 નોંધાયેલા પરંતુ બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓએ 1991ની ચૂંટણી લડી હતી.
રાષ્ટ્રીય પાર્ટીઓ
- ભારતીય જનતા પાર્ટી
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
- કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)
- ઈન્ડિયન કોંગ્રેસ(સોશિયાલિસ્ટ- સરત ચંદ્ર સિન્હા)
- ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
- જનતા દલ
- જનતા દલ (સમાજવાદી)
- જનતા પાર્ટી
- લોક દલ
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1962ની ચૂંટણીમાં નેહરુ રહ્યા વિજેતા
રાજ્ય સ્તરની પાર્ટી
- ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ
- દ્રવિડ મુનેત્ર કઝગમ
- આસામ ગણ પરિષદ
- બહુજન સમાજ પાર્ટી
- ઓલ ઈન્ડિયા ફોરવોર્ડ બ્લોક
- ઝારખંડ મુક્તી મોરચા
- જમ્મુ એન્ડ કાશ્મીર પેન્થર્સ પાર્ટી
- કેરળ કોંગ્રેસ
- કેરળ કોંગ્રેસ(એમ)
- મહારાષ્ટ્રવાદી ગોમાંતક
- મિઝો નેશનલ ફ્રન્ટ
- મણિપુર પીપલ્સ પાર્ટી
- મુસ્લિમ લીગ
- નુતન આસામ ગણ પરિષદ
- નાગાલેન્ડ પીપલ્સ પાર્ટી
- નાગાલેન્ડ પીપલ્સ કાઉન્સિલ
- પટ્ટાલી મક્કલ કાચી
- પોન્ડીતચેરી મનિલા મક્કલ મુનાની
- પ્લેઈન્સ ટ્રાઈબલ્સ કાઉન્સિલ ઓફ આસામ
- પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી
- રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા
- રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી
- શિરોમણી અકાલી દલ (સિમરનજીત સિંઘ માન)
- શિવ સેના
- સિક્કિમ સંગ્રામ પરિષદ
- તેલુગુ દેશમ
- યુનાઈટેડ માઈનોરિટીઝ ફ્રન્ટ આસામ
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં નેહરુનો દબદબો
રાજીવ ગાંધીની હત્યા પહેલા અને પછી મતદાન
1991ની લોકસભા ચૂંટણીને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક રાજીવ ગાંધીની હત્યા પહેલાનું પરિદૃષ્ય અને બીજું રાજીવ ગાંધીની હત્યા પછીનું પરિદૃષ્ય. કેમ કે, 21 મે, 1990ના રોજ રાજીવ ગાંધીની હત્યા પહેલા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું હતું અને બાકીના બે તબક્કાનું મતદાન હત્યાના એક મહિના પછી જૂન મહિનામાં યોજાયું હતું. કોંગ્રેસને રાજીવ ગાંધીની હત્યાની સહાનુભૂતિનો ફાયદો મળ્યો.
કોંગ્રેસે સહાનુભૂતિની લહેરમાં લોકસભાની 545માંથી 244 બેઠક પર વિજય મેળવ્યો હતો. પી.વી. નરસિમ્હારાવ નિવૃત્તિ લેવાની અણી પર હતા અને તેમણે નાંદયાલ ખાતે પેટાચૂંટણી લડી અને વિક્રમી 5 લાખ વોટ સાથે વિજય પ્રાપ્ત કર્યો. રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં નરસિમ્હા રાવનો ઉદય થયો અને તેઓ લાલ બહાદ્દુર શાસ્ત્રી પછી ગાંધી પરિવાર સિવાયના બીજી વ્યક્તિ કોંગ્રેસના વડાપ્રધાન બન્યા. સાથે જ દક્ષિણમાંથી આવતા હોય તેવા તેઓ પ્રથમ વડાપ્રધાન હતા.
ભાજપનો પણ થયો ઉદય
1991ની લોકસભા ચૂંટણી ભાજપનો પણ ઉદય માનવામાં આવે છે. પાર્ટીએ 1989ની ચૂંટણીમાં 85 બેઠકો જીતી હતી, તેણે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરીને કુલ 119 બેઠકો પર વિજય મેળવ્યો હતો. સાથે જ તેના વોટ શેરમાં પણ 11 ટકાથી વધારો થઈને 20 ટકા થયો હતો.
ગઠબંધનની રાજીનીતિનો ઉદય
રાજીવ ગાંધીની હત્યા પછી દેશમાં ગઠબંધનની રાજનીતિનો ઉદય પણ માનવામાં આવે છે. રાજકીય પક્ષો વધુ મજબૂત થયા હતા અને તેઓ કેન્દ્રમાં પણ સત્તામાં ભાગ માગવા માટે સક્ષમ બન્યા હતા. 1991માં નવી બનેલી નરસિમ્હારાવની સરકાર પછી દેશમાં એક નવું જ આર્થિક પરિવર્તન આવ્યું. ભારતમાં આર્થિક ક્ષેત્રે વિશાળ ક્રાંતિ આવી. સરકારે વિદેશી રોકાણકારો માટે નિયમો હળવા બનાવ્યા અને દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના પગરણ મંડાવા લાગ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે